નદીની રેતમાં રમતું નગર મળે ના મળે…

(Courtsey: http://gujaratigazal.wordpress.com/2008/11/07/nadini_ret_ma/)

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે

- ‘આદિલ’ મન્સૂરી

Listen:

Another very good song..you can listen from below link..

(Courtsey: http://tahuko.com/?p=590#comment-13551)

ઘરની સઘળી વસ્તુ મરી ગઇ
બહુ સુના છે ઘરના ખૂણા
શાંત ઉભા છે દ્વારના પડદા
બંધ પડ્યા છે મેજના ખાના
રોઇ રહ્યા છે સઘળા રમકડા

સ્વચ્છ પડેલી ભીંતો ઘરની, લાગે જાણે વિધવા થઇ ગઇ
બિસ્તર કેરી ચાદર જાણે, બાળ વિહોણી માતા થઇ ગઇ

આખો દિ’ ઘર આખા ને બસ માથે લઇ ને ફરતો’તો
વસ્તુ ઘરની ઉલટી-સીધી, અમથો અમથો કરતો’તો
પેન લખોટી ચાકના ટુકડા ખિસ્સામાહેં ભરતો’તો
જુના પત્તા રેલ ટિકિટને મમતાથી સંઘરતો’તો

કોઇ દિ’ મેં શોધી નો’તી, તો યે ખુશીઓ મળતી’તી
લાદી ઉપર સૂતો તો ને આંખો મારી ઢળતી’તી
મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી’તી

ખળખળ વહેતા ઠંડા જળમાં છબછબિયાં મેં કિધા’તા
મારા કપડા મારા હાથે ભીંજવી મેં તો લીધા’તા
સાગર કેરા ખારા પાણી કંઇક વખત મેં પીધા’તા
કોણે આવા સુંદર દિવસો બચપણ માંહે દિઘા’તા

સૂના થયેલા ખૂણા સામે વિહ્વળ થઇને નીરખું છું
શાંત ઉભેલા પડદાને હું મારા ફરતે વીટું છું
ઘરની સઘળી ભીતોંને હું હળવેથી પંપાળું છું
ખોવાયેલા વર્ષોને હું મારા ઘરમાં શોધું છું

ક્યાં ખોવાયું બચપણ મારું ક્યાંકથી શોધી કાઢો
મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો
મોટર બંગલા લઇલો મારા, લઇલો વૈભવ પાછો
પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો

Leave a Reply